માઇક્રોસોફટ હવેથી ભરશે સફળતાની નવી ઉડાન - સત્યા નદેલા

                માઇક્રોસોફટનાં નવા વડા સત્યા નદેલા હવેથી કંપની માટે સફળતાની નવી ઉડાન ભરશે.માઇક્રોસોફ્ટના નવા વડા સત્યા નાદેલાના જણાવ્યા પ્રમાણે કંપનીએ હવે આગળ વધવા માટે ધ્યાન આપવું પડશે અને કંપનીનાં જૂનાં સોફ્ટવેર અને શોધોને ટકાવી રાખવાં કરતાં આગળ વધવા માટે કંપનીએ કાર્ય કરવું પડશે. ૪૬ વર્ષીય નદેલાના જણાવ્યા પ્રમાણે કંપનીના સીઈઓપદે આવ્યા બાદ હવે તેઓ કંપનીને આગળ લઈ જવા નવી શોધો પર ધ્યાન કેન્દ્રિત કરશે અને ફક્ત કંપનીની જૂની સિદ્ધિઓને વળગી નહીં રહે. નદેલા સ્ટીવ બાલ્મર બાદ માઇક્રોસોફ્ટના સીઈઓ બન્યા હતા. માઈક્રોસોફ્ટના ૩૯ વર્ષના ઇતિહાસમાં તેઓ ફક્ત ત્રીજા સીઈઓ છે.

ઉલ્લેખનીય છે કે સત્યા નદેલાએ જણાવ્યું હતું કે, 'લાબું ટકી રહેવા માટે પરિવર્તન લાવવું અથવા ભવિષ્યની શોધ કરતાં રહેવું જોઈએ. માઈક્રોસોફ્ટના કિસ્સામાં ૩૯ વર્ષની સફળતાઓ જોવા મળે છે, હવે પરિવર્તનની જરૂર છે, ભાવી અમારી ભૂતકાળની સફળતાઓને યાદ કરવા માટે નથી, હવે એ બાબતો બની શકે કે અમે એવી શોધો કરીએ જે અમને ભવિષ્યમાં આગળ લઈ જઈ શકે. તમારા પાસે ભવિષ્યની સફળ વસ્તુઓ અંગે પહેલેથી જ ખ્યાલ મેળવી લેવો પડશે.' 

વધુમાં માઈક્રોસોફ્ટના નવા વડા પ્રમાણે તેઓ માઈક્રોસોફ્ટને એવી કંપની બનાવવા માગે છે જ્યાં કાર્યસ્થળે કામનો ઘણો ઊંડો અર્થ થતો હોય. નદેલાની સાથે ટેકનોલોજી અને પ્રોડક્ટ માર્ગદર્શનમાં માઈક્રોસોફ્ટના સહસ્થાપક બિલ ગેટ્સ પણ કામ કરશે. બિલ ગેટ્સથી તેમણે નેતૃત્વના ઘણા પાઠ શીખ્યા હોવાનું નદેલા જણાવે છે. નદેલાએ ગેટ્સ વિશે જણાવ્યું હતું કે, તેઓ જમીન સાથે સંકળાયેલી વ્યક્તિ છે, તેઓ ઘણીવાર કામની બાબતમાં દલીલો કરશે પરંતુ અંતે તેઓ પ્રથમ વ્યક્તિ હશે જેઓ તમને કહેશે, તમે આ બાબતે સાચા છો. દલીલો સાંભળતી વખતે ગેટ્સ અને બાલ્મર બંને તમારી પરીક્ષા લેતા હોય છે.