ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષા ૨૭ એપ્રિલે લેવાનો વિધિવત નિર્ણય કરાયો

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા
ગુજકેટની પરીક્ષા ૨૭ એપ્રિલે લેવાનો વિધિવત નિર્ણય કરાયો

૨૫ માર્ચથી ૭ એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે : ગુજકેટ પરીક્ષાને લઇ લાંબા સમયથી ચાલતી અટકળોનો અંત : રાજ્‍યના ૩૩ જિલ્લાઓ સહિત ૩૪ કેન્‍દ્રોથી પરીક્ષા

           અમદાવાદ, તા.૨૮,ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મેડીકલ અને પેરામેડીકલ અભ્‍યાસક્રમમાં પ્રવેશ માટે લેવાતી ગુજકેટની પરીક્ષા ૨૭ એપ્રિલે લેવાની જાહેરાત કરી છે. આ પરીક્ષા રાજ્‍યભરના ૩૩ જિલ્લાઓ સહીત કુલ ૩૪ કેન્‍દ્રો ખાતેથી લેવામાં આવશે. આ સાથે જ ગુજકેટની પરીક્ષાને લઈ લાંબા ગાળાથી ચાલતી અટકળોનો અંત આવ્‍યો છે. શિક્ષણ બોર્ડ દ્વારા ઉચ્‍ચતર માધ્‍યમિક વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મેડિકલ અને પેરા મેડિકલ અભ્‍યાસક્રમમાં પ્રવેશ મેળવવા ચાલુ વર્ષે કોમન એન્‍ટ્રન્‍સ ટેસ્‍ટ લેવાનું રાજ્‍ય સરકારના આરોગ્‍ય મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવ્‍યું હતું. આરોગ્‍ય મંત્‍લાયે આ પરીક્ષા લેવા માટે રાજ્‍યના શિક્ષણ બોર્ડને સુચના આપતા શિક્ષણ બોર્ડે ગુજકેટની પરીક્ષા ૨૭મી એપ્રિલે લેવાતી સત્તાવાર જાહેરાત કરી છે. આ પરીક્ષા રાજ્‍યના ૩૩ જિલ્લાના મુખ્‍ય મથકો સહિત કુલ ૩૪ સ્‍થળોએથી લેવાનું બોર્ડ દ્વારા ગોઠવવામાં આવ્‍યું છે. પરંતુ રાજ્‍ય નવરચિત જિલ્લાઓમાં પરીક્ષા આપતા ઉમેદવારોની સંખ્‍યા ૧૦૦ કરતા ઓછી હશે તો મુળ જિલ્લામાં બેઠક વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવશે. ગુજકેટની પરીક્ષા માટેની માહિતી પુસ્‍તિકા અને યુઝર આઈડીનું વિતરણ રાજ્‍યના ૪૨ કેન્‍દ્રો પરથી તારીખ ૨૫ અને ૨૬ માર્ચના રોજ કરવામાં આવશે. જ્‍યારે ઉમેદવારો તારીખ ૨૫ માર્ચથી ૭ એપ્રિલ દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આ પરીક્ષામાં ગુજરાત બોર્ડના વિજ્ઞાન પ્રવાહના સેમેસ્‍ટર ૩ અને ૪ના અભ્‍યાસક્રમ આધારીત ૧૨૦ બહુવિક્‍લપીય પ્રશ્‍નો ધરાવતું પ્રશ્‍નપત્ર ઓએમઆર પદ્ધતિ ભરવાનું રહેશે. જેમાં ૪૦ માર્કસ ફિજીક્‍સ, ૪૦ માર્ક કેમેસ્‍ટ્રી અને અન્‍ય ૪૦ માર્કસ મેથ્‍સ અથવા બાયોલોજીના પ્રશ્‍નોના હશે. ઉલ્લેખનીય છે કે ધોરણ-૧૨ સાયન્‍સ પછી મેડીકલ અને પેરામેડીકલ અભ્‍યાસક્રમોમાં પ્રવેશ ગુજકેટની પરીક્ષાના ૪૦ ટકા અને ધોરણ-૧૨ સાયન્‍સની પરીક્ષાના ૬૦ ટકા વોલટેજના આધારે ફાળવવામાં આવશે.
Source:Akila News