યુનિ. દ્વારા લેવાતી પરીક્ષામાં બેઠક વ્યવસ્થા નહીં બદલાય !

ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાતી અલગ-અલગ પરીક્ષાઓ આગામી તારીખ ૧૬ મેંથી શરુ તહી રહી છે. યુનિવર્સિટીની પરીક્ષામાં બેઠક વ્યવસ્થા બદલવાની જાહેરાત બે વખત કરવામાં આવી પરંતુ તે છતાં હજુસુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. અને આ વખતે પણ વિધાર્થીઓએ પોતાની કોલેજમાં જ બેસીને પરીક્ષા આપવાની રહેશે. સ્વનિર્ભર કોલેજોને ફાયદો કરાવવા માટે જે વ્યવસ્થા કરવામાં આવી હતી તે વ્યવસ્થા આગામી દિવસોમાં પણ યથાવત રાખવાનું નક્કી કરાયું છે.
સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે સ્વનિર્ભર કોલેજોના વિદ્યાર્થીઓના લાભ માટે આ વ્યવસ્થા ઊભી કરવાની હતી. ઘણી મોટાભાગની સ્વનિર્ભર કોલેજોમાં કાયમી અધ્યાપકોની નિમણૂક કરાતી નથી. જેના લીધે વિદ્યાર્થીઓને સેમેસ્ટર પુરુ થાય ત્યાં સુધીમાં મોટાભાગનો કોર્સ પણ ભણાવાતો નથી. અને તેના કારણે મોટાભાગના વિધાર્થી નાપાસ થાય છે અને તેના કારણે પોતાની જ કોલેજમાં પરીક્ષા આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોતાની કોલેજનું પરિણામ સારું આવે અને બીજા વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ મળી રહે તેવી ગણતરી સાથે સંચાલકો વિદ્યાર્થીઓ માટે આ પ્રકારની વ્યવસ્થા ગોઠવતાં હોય છે. વિદ્યાર્થીઓ જે કોલેજમાં અભ્યાસ કરતાં હોય તેમાં જ બેઠક વ્યવસ્થા હોવાથી સ્વનિર્ભર કોલેજા સંચાલકો વિદ્યાર્થીઓને ગેરરીતિ કરાવવા ઉપરાંત પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નોના જવાબ પણ બોર્ડ પર લખી આપતાં હોવાની ફરિયાદો પણ બહાર આવી છે.
યુનિવર્સિટી દ્વારા લેવાતી વાર્ષિક પરીક્ષાઓમાં અગાઉ વિદ્યાર્થીઓે પરીક્ષા આપવા માટે જુદી જુદી કોલેજોમાં જવું પડતું હતું. અલગ કોલેજમાં પરીક્ષા આપવાની હોવાથી વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતાં અચકાતા હતા. જો કે, છેલ્લા કેટલાક વર્ષોથી વિદ્યાર્થીઓની પરીક્ષાની બેઠક વ્યવસ્થા પોતાની જ કોલેજમાં રાખ‌વાનું શરૂ કરાયું છે.
યુનિવર્સિટી સાથે સંકળાયેલી કેટલીક સ્વનિર્ભર કોલેજો પરીક્ષામાં વિદ્યાર્થીઓને બોર્ડ પર જ જવાબ લખાવી દેતી હોવાની ફરિયાદ અનેક વખત મળી ચુકી છે. છતાં યુનિવર્સિટી દ્વારા આજસુધી ચાલુ પરીક્ષા દરમિયાન આવી કોલેજોની તપાસ માટે ટીમ મોકલવમાં આવતી નથી. કદાચ કોઇ ટીમ તપાસ માટે જાય તો પ્રિન્સિપાલની ઓફિસમાં બેસીને પરત આવતી રહે છે. જેના કારણે વિદ્યાર્થીઓને ગેરરીતિ કરવામાં અનુકુળતાં રહેતી હોય છે.
સ્વનિર્ભર કોલેજોમાં મોટાપાયે ગેરરીતિઓ થતી હોવાની ફરિયાદના પગલે વર્તમાન કુલપતિ એમ.એન.પટેલે ચાર્જ સંભાળતાની સાથે જ યુનિવર્સિટી દ્વારા લેવાતી પરીક્ષાની બેઠક વ્યવસ્થા બદલવાની જાહેરાત કરી હતી. જો કે, દોઢ વર્ષ થવા આવ્યું છે અત્યાર સુધીમાં બે પરીક્ષાઓ પુરી થઇ ચૂકી છે છતાં પરીક્ષાની બેઠક વ્યવસ્થા બદલવામાં આવી નથી. સૂત્રો કહે છે કુલપતિ પોતે પરીક્ષાની બેઠક વ્યવસ્થા બદલાઇ તેમ ઇચ્છતાં હોવા છતાં પરીક્ષા વિભાગની આડોડાઇના કારણે નિર્ણયનો અમલ કરી શકતાં નથી.