બોર્ડની પરીક્ષામાં પાસ થવા માટે ૭૦માંથી ૨૩ ગુણ ફરજિયાત ઃ વર્ષમાં એક જ વખત પરીક્ષા

સતત શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન પદ્ધતિનો અમલ નવા સત્રથી ધો. ૧૦માં ૩૦ ગુણની પરીક્ષા શાળા લેશે



ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જૂન- ૨૦૧૨થી ધો. ૧૦માં સતત શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન પદ્ધતિનો અમલ કરાશે. જેમાં શાળા ૩૦ ગુણની પરીક્ષા લેશે. જ્યારે બોર્ડ માર્ચ મહિનામાં ધો. ૧૦ની એક જ વખત પરીક્ષા લેશે. દરેક પેપર ૧૦૦ માર્કસનું રહેશે પરંતુ તે ૭૦ માર્કસમાં કન્વર્ટ થશે. એટલે કે વિદ્યાર્થીએ પાસ થવા માટે દરેક વિષયમાં ફરજિયાત રીતે ૨૩ ગુણ લાવવાનાં રહેશે. તેમજ શાળાકીય પરીક્ષામાં પાસ થવા માટે ૩૦માંથી ૧૦ ગુણ લાવવાના રહેશે.
ધો. ૧૧ સાયન્સમાં સેમેસ્ટર પદ્ધતિ અમલી બની ગઈ છે. ધો. ૧૨ સાયન્સમાં જૂન- ૨૦૧૨થી સેમેસ્ટર પદ્ધતિનો અમલ થશે. ધો. ૯માં ગત વર્ષથી આ પદ્ધતિ અમલી બની છે. હવે નવા શૈક્ષણિક વર્ષથી ધો. ૫ થી ૮માં સતત શાળાકીય મૂલ્યાંકન પદ્ધતિ અમલમાં આવી રહી છે. જેમાં વર્ષમાં બે વખત પરીક્ષા લેવાશે. જોકે ધો. ૧૦માં એસસીઈ અમલમાં આવશે પરંતુ વર્ષમાં બે વખત નહીં પણ બોર્ડ દ્વારા એક વખત જ પરીક્ષા લેવાશે. ગુજરાત શિક્ષણ બોર્ડના સત્તાવાર સૂત્રો કહે છે કે, શિક્ષકો વિદ્યાર્થીઓને એસસીઈ પદ્ધતીથી ભણાવશે. ધો. ૧૦માં સેમેસ્ટર પદ્ધતિ નથી. પરંતુ શાળા કક્ષાએ ૩૦ ગુણની પરીક્ષા લેવાશે. જેમાંથી વિદ્યાર્થીએ પાસ થવા માટે ૧૦ ગુણ લાવવાના રહેશે. બોર્ડ દ્વારા ૧૦૦ ગુણની પરીક્ષા માર્ચમાં એક જ વખત લેવાશે. જેને ૭૦ ગુણમાં કન્વર્ટ કરાશે. ૭૦ ગુણમાંથી વિદ્યાર્થીએ પાસ થવા માટે ફરજિયાત રીતે ૨૩ ગુણ લાવવાના રહેશે. આમ શાળાના ૧૦ અને બોર્ડના ૨૩ મળીને કુલ દરેક વિષયમાં ૩૩ માર્કસ પાસીંગના રહેશે. જો આનાથી ગુણ ઓછા આવશે તો વિદ્યાર્થી નાપાસ ગણાશે. ફાઈનલ રીઝલ્ટમાં જે-તે વિદ્યાર્થીને રેન્ક અપાશે. ધો. ૧૦માં સેમેસ્ટર પદ્ધતિ દાખલ નહીં કરાતા થોડું આશ્ચર્ય સર્જાયું છે. કારણ કે ધો. ૯માં અને ધો. ૧૧-૧૨ સાયન્સમાં આ પદ્ધતિ અમલમાં છે. ધો. ૯માં સેમેસ્ટર પદ્ધતિથી પરીક્ષા આપ્યા બાદ ફરીથી ધો. ૧૦માં જૂની પદ્ધતિથી પરીક્ષા આપવી પડશે. ત્યારબાદ જો વિદ્યાર્થી સાયન્સ રાખે તો સેમેસ્ટર પદ્ધતિ અને સામાન્ય પ્રવાહ રાખે તો નિયમિત પરીક્ષા આપવાની રહેશે. વાલીઓ અને આચાર્યોનું માનવું છે કે ખરેખર તો બોર્ડે ધો. ૧૦ અને ધો. ૧૧-૧૨ કોમર્સમાં પણ સેમેસ્ટર પદ્ધતિ અમલી કરી દેવી જોઈએ. જેથી વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી કે ગુંચવણ ન થાય. નવા શૈક્ષણિક સત્રથી ધો. ૧૦માં ગણિત-વિજ્ઞાાનમાં પુસ્તકો બદલાશે. જ્યારે બાકીના યથાવત રહેશે. પરીક્ષા અંગેની મૂલ્યાંકન પદ્ધતિ બદલાતા વિદ્યાર્થીઓને તેનો ફાયદો થશે.
ધો. ૬, ૭ અને ૮નાં ગુજરાતી સિવાયના માધ્યમનાં પુસ્તકો છપાયાં જ નથી
અમદાવાદ, સોમવાર
ગુજરાતની શાળાઓમાં ધો. ૬, ૭ અને ધો. ૮માં જૂન-૨૦૧૨ના નવા શૈક્ષણિક વર્ષથી સેમેસ્ટર પધ્ધતિ અમલમાં આવી રહી છે. આથી નવો સીલેબસ તૈયાર કરાયો હતો. જે મુજબનાં પુસ્તકો છપાયા છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, માત્ર ગુજરાતી માધ્યમનાં જ પુસ્તકો છપાયા છે. એ સિવાયના અંગ્રેજી, હિન્દી કે અન્ય કોઇપણ માધ્યમનાં પુસ્તકો છપાયા નથી. આમ એક જ ધોરણનાં એક જ અભ્યાસક્રમનાં પુસ્તકો અલગ- અલગ રહેશે. ધો. ૬, ૭ અને ૮ના ગુજરાતી માધ્યમનાં પુસ્તકો છપાઇ ગયા છે. જે નવી પરીક્ષા પધ્ધતિ મુજબનાં એટલે કે સેમેસ્ટર મુજબનાં છે. પરંતુ ગુજરાતી સિવાયના અંગ્રેજી, હિન્દી કે અન્ય કોઇપણ માધ્યમનાં પુસ્તકો છપાયા નથી.
અત્યાર સુધીના ઈતિહાસમાં આવું ક્યારેય બન્યું નથી. ધો. ૬, ૭ અને ૮માં ગુજરાતી સિવાયનાં અન્ય કોઇપણ માધ્યમનાં વિદ્યાર્થીઓ માટે જૂના કોર્સની બુકો રહેશે. તેઓ એ મુજબ જ પરીક્ષા આપશે. જેથી પરીક્ષાના પેપરો પણ અલગ-અલગ નીકળશે. સૂત્રો કહે છે કે ચોક્કસ પ્રકાશકને ફાયદો કરાવવા માટે ગુજરાતીમાંથી ટ્રાન્સલેશન જ કરાયું નથી. જ્યારે જીસીઈઆરટીના સત્તાવાર સૂત્રો કહે છે કે, ચાલુ વર્ષે ગુજરાતીમાં અને આવતા વર્ષે અન્ય તમામ માધ્યમોનાં સેમેસ્ટર પધ્ધતિનાં નવા પુસ્તકો છાપી દેવાશે.

No comments:

Post a Comment

Welcome