પ્રાથમિક શાળાનાં બાળકોને યુનિક આઈડી નંબર આપવાનો નિર્ણય
૨૦૦૯માં શાળાઓ પાસેથી વિગતો મંગાવ્યા બાદ ફરીથી
રાજ્યની શાળામાં ભણતા તમામ બાળકોની માહિતીની ચાઈલ્ડ વાઈઝ ડેટા એન્ટ્રી કરી ડેટાબેઝ
ગુજરાતની અંદાજે ૧૯૦૦૦ જેટલી પ્રાથમિક શાળાઓમાં ૯૫ લાખથી વધુ બાળકો અભ્યાસ કરે છે. ૨૦૦૯નાં વર્ષમાં પ્રાથમિક શાળાનાં તમામ બાળકોને યુનિક આઈડી નંબર આપવાની વાત કરાઈ હતી. વિદ્યાર્થી-વાલીઓને પડતી જુદા જુદા પ્રકારની મુશ્કેલીઓ નિવારવા તેમજ વિવિધ સ્કોલરશીપમાં થતા ગોટાળા ઓછા કરવાના ભાગરૃપે યુનિક આઈડી આપવાની જાહેરાત મોટે ઉપાડે થઈ હતી. ત્યારબાદ શાળાઓ પાસેથી પત્રકો આપી માહિતી પણ મંગાવાઈ હતી.
આશ્ચર્યની વાત છે કે માહિતી પત્રકો આવી ગયા બાદ યુનિક આઈડીનું શું થયું તેની કોઈને ખબર નથી. દરેક બાળકને એક કાયમી ગણી શકાય તેવો યુનિક આઈડી નંબર આપવાની વાત હતી. જેને લઈને શાળા છોડયાનાં ૧૫થી ૨૦ વર્ષ પછી પણ આ વિદ્યાર્થી મ્યુનિ.ના સિવિક સેન્ટરની જેમ માત્ર પાંચ મિનિટમાં જ પોતાનું અસલી એલસી મેળવી શકે. ઉપરાંત જો વિદ્યાર્થીઓ શાળા કે શહેર છોડીને અન્ય જગ્યાએ જશે તો પણ સત્તાવાળાઓને તુરંત તેની ખબર પડી જશે.
યુનિક આઈડી નંબર માટે માહિતી ભેગી કરાયા બાદ તેની ફાઈલો અભેરાઈએ ચઢાવી દેવાઈ છે. જેને સાડા ત્રણ વર્ષ સુધી કોઈએ યાદ કરી નથી. હવે ફરીથી સર્વ શિક્ષા અભિયાનની ગાંધીનગરની કચેરીએથી યુનિક આઈડી નંબર માટેનો પરિપત્ર થયો છે. જેમાં જણાવાયું છે કે ઓનલાઈન આધાર એનેબલ્ડ ડાયસ અમલમાં મુકવાથી ડ્રોપ આઉટ રેશિયો, અનિયમિત રહેતા બાળકો અને બાળકોને મળતી પ્રોત્સાહક સહાય-સુવિધાનું મોનિટરીંગ સરળ બનશે.
મોટાભાગની સરકારી સ્કુલોના વિદ્યાર્થીઓનો ડેટા તૈયાર થઈ ગયો છે. હાલમાં ખાનગી સ્કુલો પાસેથી ડેટા મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે. પરંતુ માહિતી પત્રકો આવી ગયા બાદ ૨૦૦૯ની માફક ફાઈલો અભેરાઈએ નહીં ચઢે તેની કોઈ ખાતરી નથી. સૂત્રો કહે છે કે, કોઈ સોફટવેર કંપનીને ફાયદો થાય તે માટે આવી માહિતીઓ મંગાવવાના નાટકો કરવામાં આવે છે.
Gujarat Samachar 30/03/2013