માધ્યમિક શાળાઓમાં જૂની પદ્ધતિ પ્રમાણે ભરતી કરવા દેવા માગ

માધ્યમિક શાળાઓમાં જૂની પદ્ધતિ પ્રમાણે ભરતી કરવા દેવા માગ

ચાર વર્ષથી ભરતીના અભાવે રોજિંદા કામકાજમાં હાલાકી ખેડા જિલ્લા શાળા સંચાલક મંડળની રાજ્ય સરકાર સમક્ષ ધા

રાજ્યની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કર્મચારીઓની ભરતી મુદ્દેનો ગજગ્રાહ જારી છે. આ પ્રશ્ને રાજ્યના શાળા સંચાલક મહામંડળોએ દેશની સર્વોચ્ચ અદાલતના દ્વાર પણ ખટખટાવ્યાં છે.

ચાર-ચાર વર્ષથી ભરતીના અભાવે શાળાઓને રોજિંદા કામકાજમાં ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, જેને કારણે શિક્ષણ પર અસર પહોંચી હોવાનો સૂર ખેડા જિલ્લા શાળા સંચાલક મંડળે વ્યક્ત કર્યો છે. તેમ જ સદર પ્રશ્નનો ચૂકાદો આવે ત્યાં સુધી જૂની પદ્ધતિ પ્રમાણે કર્મચારીઓની ભરતી કરવા દેવાની માગણી રાજ્યના શિક્ષણ વિભાગ તેમ જ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી છે.
આ અંગે ખેડા જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ વિજયભાઈ પટેલ, ઉપપ્રમુખ મહેશભાઈ જોષી, મહામંત્રી જીતુભાઈ ઉપાધ્યાય દ્વારા રાજ્ય સરકાર સમક્ષ કર્મચારીઓની ભરતી મુદ્દે ધા નાખી છે. તેઓના જણાવ્યાં મુજબ, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં છેલ્લાં ૪ વર્ષથી ભરતી કાર્યવાહી બંધ છે. જિલ્લામાં કુલ ૪૦૦ જેટલી શાળાઓ આવેલી છે.
આ પ્રશ્ને શાળા સંચાલક મહામંડળો જ્યારે સુપ્રીમ ર્કોટમાં ગયા છે, ત્યારે જૂની પદ્ધતિ પ્રમાણે ભરતીની કાર્યવાહી કરવામાં આવે તેમ સંચાલકો ઈચ્છે છે. ચરોતર ઉપરાંત રાજ્યની કેટલીક

માધ્યમિક શાળાઓ શિક્ષકો, આચાર્યો, કલાર્ક તેમ જ સેવક વગર ચાલી રહી છે. શાળાના સંચાલનમાં હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. રાજ્ય સરકાર સંચાલક મંડળના અગ્રણીઓને વિશ્વાસમાં લઈ યોગ્ય માર્ગ કાઢે એવી રજૂઆત ખેડા જિલ્લા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવી છે.

સ્ટાફ વિના શિક્ષણકાર્ય ખોરંભે પડયું છે

ધો.૮ના વર્ગો બંધ થતા કેટલીક શાળાઓને સળંગ એકમમાં ધો.૧૧ના પ્રથમ વર્ગો આપવામાં આવ્યા છે. છેલ્લાં ૩ વર્ષથી ધો.૧૧ના વર્ગ મળ્યાં છે, પરંતુ સ્ટાફ વિના શિક્ષણકાર્ય ખોરંભે પડયું છે. રાજ્યનું શિક્ષણ સ્તર ઊંચું આવે તે માટે રાજ્ય સરકારને અનુરોધ કરાયો છે કે સુપ્રીમ ર્કોટનો ચૂકાદો આવે ત્યાં સુધી જૂની પદ્ધતિ પ્રમાણે ૧૧ ફેબ્રુઆરી, ૨૦૧૧ના ઠરાવને ધ્યાનમાં લીધા વગર રાજ્ય સરકાર દ્વારા જરૂરી સ્ટાફની ભરતી કરવાની છુટ આપે. - મહેશ જોશી, ઉપપ્રમુખ, ખેડા જિલ્લા શાળા સંચાલક મંડળ.
Bhaskar News