GPSCની વર્ગ ૧-૨ની પરીક્ષામાં ૨૭ ખોટા પ્રશ્નો પૂછાયા

૨.૪૩ લાખ લોકોએ આપેલી પરીક્ષામાં આ ૨૭ ખોટા પ્રશ્નોના માર્કસ રદ કરવા પડયા.

            ગુજરાત પબ્લીક સર્વિસ કમિશન દ્વારા ઓકટોબર ૨૦૧૪માં લેવામાં આવેલી વર્ગ-૧ અને વર્ગ ૨ના અધિકારીઓની પરીક્ષાના પ્રીલીમીનરીના ત્રણ પેપરમાં કુલ ૨૭ ખોટા પ્રશ્નો પુછાયા હતાં. જીપીએસસી પાસે નિષ્ણાંતોની આખી ટીમ હોવા છતાં આટલા ખોટા પ્રશ્નો કેમ પુછાઈ શકે તેવી એક જાહેરહીતની અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. જો કે આ ખોટા પ્રશ્નોના કારણે ઉમેદવારોને કોઈ નુકસાન ગયુ ના હોવાથી આ તબક્કે હાઈકોર્ટે કોઈ દરમ્યાનગીરી કરવાનું યોગ્ય માન્યું નહોતું અને પિટિશન ફગાવી દીધી હતી.


       જીપીએસસીએ આન્સર કી જાહેર કરી હતી અને આ જાહેરાત બાદ ૨૭ ભુલો હોવાનું સ્વિકાર્યુ હતું અને તેના માર્કસ નહીં ગણવાનો નિર્ણય લીધો હતો. આ ૨૭ પ્રશ્નો મલ્ટીપલ ચોઈસ પ્રશ્નો હતા જેમાં પરંતુ નીચે આપેલા જવાબોમાંથી એક પણ જવાબ સાચો નહોતો. પ્રીલીમીનરીના પહેલા પેપરમાં ૩, બીજા પેપરમાં ૬ અને ત્રીજા પેપરમાં ૧૮ ભુલો હતી. હાઈકોર્ટે આ જાહેરહીતની અરજીમાં કહ્યું હતું કે કમિશને ૨૭ પ્રશ્નો રદ કરી દીધા હોવાથી અત્યારે આ અરજીને માન્ય કરવાનું કોઈ કારણ લાગતુ નથી. કોર્ટે એવું પણ અવલોકન કર્યુ હતું કે જયારે ૨.૪૩ લાખ લોકોએ પરીક્ષા આપી હોય ત્યારે આ પરીક્ષા રદ કરીને નવેસરથી પરીક્ષા યોજવામાં સમય પણ ઘણો જાય અને તેની વ્યવસ્થા પણ ભારે પડે.