નવી દિલ્હી, તા.13 એપ્રિલ, 2012
ગરીબ બાળકોને મફત શિક્ષણનો અધિકાર છે અને ૨૦૦૯માં ઘડાયેલો રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ વાજબી છે. એની જોગવાઇમાં લધુમતી શિક્ષણ સંસ્થાઓને બાકાત રાખવામાં આવી છે એવા સુપ્રીમ કોર્ટના ચુકાદાથી વાદી અને પ્રતિવાદી બંને પક્ષો નારાજ છે.
કેન્દ્ર સરકારે ઘડેલા આ કાયદામાં સરકારી શિક્ષણ સંસ્થાઓ ઉપરાંત સરકારી સહાય નહીં મેળવતી ખાનગી શિક્ષણ સંસ્થાઓએ ૨૫ ટકા બેઠકો ગરીબ બાળકો માટે રાખવી એવી જોગવાઇ છે. એને પડકારતી અરજીને ફગાવી દેતાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે એ જોગવાઇને બહાલી આપી હતી. એથી ગરીબ બાળકોને મફત શિક્ષણ આપવાની હિમાયત કરતા કાર્યકરો પણ નારાજ થયા હતા કારણ કે આ ચુકાદામાં લધુમતી શિક્ષણ સંસ્થાઓને બાકાત રાખવામાં આવી છે. બીજી બાજુ સ્કૂલોના સંચાલકો કહે છે કે અમે સરકારી સહાય મેળવતા નથી તો પછી ૨૫ ટકા ગરીબ વિદ્યાર્થીઓને શી રેતી સમાવી લઇએ ?
તામિલનાડુ સ્ટેટ પ્લેટફોર્મ ફોર કોમન સ્કૂલ સિસ્ટમના મહામંત્રી પ્રિન્સ ગજેન્દ્ર રાવે કહ્યું કે આ ચુકાદો અન્યાયકર્તા છે કારણ કે ૮૦ ટકાથી વઘુ સ્કૂલો લધુમતી સંસ્થાઓ ચલાવે છે. એમને આ જોગવાઇમાં બાકાત રાખવામાં આવી છે.