૯૧ હજારથી વધુ વિદ્યાર્થીઓ ધો-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા આપશે

ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલનો નવતર પ્રયોગ

અમદાવાદ
સંજોગોવશાત્ કે આકસ્મિક કારણસર ધોરણ-૭,૮ પછી ધોરણ-૧૦ સુધી તેમ જ ધોરણ-૧૧ પછી ધોરણ-૧૨સુધીનો અભ્યાસ પૂરો નહી કરી શકનાર વિદ્યાર્થીઓ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલુ વર્ષથી ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. ગુજરાત સ્ટટ ઓપન સ્કૂલના માધ્યમથી ગુજરાતભરમાં ૯૧ હજારથી વધુ વિદ્યાર્થીઓ ધોરણ-૧૦ અને ૧૨ સામાન્યપ્રવાહની સીધી પરીક્ષા આપી શકશે.
સંજોગોવશાત્ અભ્યાસથી વંચિત થઇ ગયેલા વિદ્યાર્થીઓ માટે ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ આશીર્વાદ સમાન
સંજોગોવશાત્ અભ્યાસથી વંચિત થઇ ગયેલા વિદ્યાર્થીઓ માટે ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલનું પ્લેટફોર્મ આશીર્વાદ સમાન પુરવાર થાય તેમ છે. નેશનલ ઓપન સ્કૂલમાં જે પ્રકારે રાષ્ટ્રીય ફલક પર કામગીરી છે લગભગ તે જ રુપરેખા પર ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલનું માળખું તૈયાર કરાયું છે.
રાજયની શાળાઓમાં કાયદેસર પ્રવેશ મેળવી નિયમિત અભ્યાસ કરવા જતાં બાળકો સિવાય સામાજિક, આર્થિક કે આકસ્મિક કારણોસર પોતાનો અભ્યાસ ધોરણ-૭,૮ કે ધોરણ-૧૧ પછી છોડી દેનાર વિદ્યાર્થીને સીધી ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા આપવાની તક પૂરી પાડે છે.
આ અંગે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ઓ.એસ.ડી(પરીક્ષા) આર.એચ.ગોલે જણાવ્યું હતું કે, ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ માટે રાજયભરમાં કુલ ૩૩૩ સેન્ટરો માન્ય કરાયા છે. જયાંથી ધોરણ-૧૦ અને ૧૨ની સીધી પરીક્ષા આપવા ઇચ્છતા વિદ્યાર્થીઓ પોતાનું ફોર્મ ભરી શકે છે. આ વર્ષે ધોરણ-૧૦ના ૩૬ હજાર વિદ્યાર્થીઓ અને ધોરણ-૧૨ના ૫૫ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે. સેન્ટરો પર જરુરી માર્ગદર્શન માટે બે શિક્ષકોને પણ મૂકવામાં આવ્યા છે. ઉપરાંત, સરકારી એજન્સી બાયસેક મારફતે સપ્તાહમાં એક વખત ટેલિવિઝનના માધ્યમથી ગણિત,વિજ્ઞાાન, સમાજવિદ્યા જેવા મુખ્ય વિષયોનો અભ્યાસ આવા વિદ્યાર્થીઓને કરાવવામાં આવે છે. સવારે ૧૦-૩૦થી સાંજે ૫-૦૦ સુધીના આ કાર્યક્રમમાં વિષયવાર લેકચરની વહેંચણી કરી દેવામાં આવે છે અને તે મુજબ જ શિક્ષણ આપવામાં આવે છે. આવા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા પાસ કરવાનું લક્ષ્ય હાંસલ થાય અને આ કાર્યમાં મદદરુપ બનનાર જે સેન્ટરની શાળાઓ કે જયાં ૫૦ કે ૫૦થી ઓછા વિદ્યાર્થીઓ નોંધાય તો તેવી શાળાઓને રુ.૧૧,૫૦૦નું પુરસ્કાર અને ૫૦થી વધુ વિદ્યાર્થીઓ નોંધાય તો તેવી શાળાઓને રુ.૨૩ હજારનું પુરસ્કાર આપવાનું સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. પુરસ્કાર આપવા પાછળનો હેતુ વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડવામાં શાળાઓની પ્રોત્સાહક ભૂમિકા અદા થાય તે જ છે એમ પણ બોર્ડના અધિકારીએ ઉમેર્યું હતું.
વિદ્યાર્થીઓ જાતે જ ભણી શકે તે હેતુથી
સેલ્ફ લર્નિંગ મટિરીયલ્સ તૈયાર કરવાનું મા.શિ.બોર્ડનું આયોજન
માર્ચમાં લેવાનારી બોર્ડની પરીક્ષામાં જ સ્ટેટ ઓપન સ્કૂલના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે
અમદાવાદ
સંજોગો કે આકસ્મિક કારણોસર ચાલુ અભ્યાસ છોડી દેનાર વિદ્યાર્થીઓને હાલ તો ધો-૧૦ અને ૧૨નો વર્તમાન જે અભ્યાસક્રમ છે તે મુજબ જ બોર્ડની પરીક્ષા આપવી પડશે. પરંતુ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવા વિદ્યાર્થીઓને કોઇ શિક્ષકની જરુર ના પડે અને તેઓ જાતે જ ભણી શકે તે હેતુથી સેલ્ફ લર્નિંગ મટીરીયલ્સ તૈયાર કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. બોર્ડ દ્વારા આ મામલે ગંભીરતાપૂર્વકની સક્રિયા વિચારણા ચાલી રહી છે. જો કે, આ સીસ્ટમ આવનારા દિવસોમાં અમલી બની જશે.
કોઇક કારણસર અધવચ્ચે શાળા છોડી ગયેલ અથવા તો પોતાનો અભ્યાસ પૂરો નહી કરી શકનાર વિદ્યાર્થીઓ ધો-૧૦ અને ૧૨ની સીધી પરીક્ષા આપી શકે તે હેતુથી ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલનું પ્લેટફોર્મ પૂરું પડાયું છે અને તે માટે તેઓને અભ્યાસમાં તેમ જ પરીક્ષા આપવામાં સરળતા રહે તેવા આશયથી મધ્યમ કક્ષાનો અભ્યાસક્રમ તેમના માટે ખાસ તૈયાર કરવામાં આવશે. જેમાં જો ધોરણ-૧૦ના અભ્યાસક્રમ માટે ધો-૯ અને ૧૦માંથી સંયુકત રીતે અને ધોરણ-૧૨ના અભ્યાસક્રમ માટે ધો-૧૧ અને ૧૨માંથી સંયુકત રીતે અભ્યાસક્રમ તૈયાર કરવાનું આયોજન છે. નેશનલ ઓપન સ્કૂલમાં તો સેલ્ફ લર્નિંગ મટીરીયલ્સની સીસ્ટમ અમલી છે. જો કે, ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલમાં આ નવતર પ્રયોગ આવનારા દિવસોમાં અમલી બની જશે.