નવા શૈક્ષણિકસત્ર જૂન-૨૦૧૨માં શરૂ થતી શાળાઓ પહેલા વાલીઓના વાર્ષિક બજેટ પર મોટી અસર પડી છે. ઘણીય શાળાઓએ ફીમાં બેફામ વધારો કર્યો છે તો બીજી તરફ સીએનજીમાં ભાવ વધારો થતાં સ્કૂલ વર્ધીવાનના ભાડાંમાં રૂ. ૫૦ વધારો કરાયો છે, ત્યારે સરકારના પાઠયપુસ્તક મંડળે ધો. ૧૦ અને ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહના પુસ્તકોમાં ૧૩૦ ટકા સુધીનો તોતિંગ વધારો કર્યો છે. જ્યારે ધો. ૬,૭,૮ના પાઠયપુસ્તકોમાં પણ ૧૫૦ ટકા સુધી તોતિંગ વધારો થાય તેવી શક્યતાઓ છે. આમ સરકારે ભાવ વધારો કરી વાલીઓ પર વધુ એક બોજો નાંખ્યો છે.
- ધો. ૬,૭,૮ના પુસ્તકોમાં ૧૫૦% વધવાની શક્યતા
- સેમેસ્ટર પદ્ધતિ અમલમાં આવતાં લાખો મધ્યમવર્ગીય પરિવારના બજેટ પર અસર
પાઠયપુસ્તક મંડળે ધો. ૧૦માં ગણીતની ચોપડીના રૂ. ૪૫ થી વધારી રૂ.૯૧ કરી ડબલ ભાવ કરી દીધા છે જ્યારે વિજ્ઞાનની ચોપડીમાં રૂ. ૫૨ થી લઇને રૂ. ૮૯ કરી દીધા છે. આમ ગત વર્ષ કરતા ચાલુ વર્ષમાં ૧૦૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તેવી જ રીતે ગત વર્ષે ધો. ૧૨ પુસ્તકના સેટનો ભાવ રૂ. ૨૫૨ હતો. જે ચાલુ વર્ષે સેમેસ્ટર સિસ્ટમ દાખલ થતાં હવે વાલીઓએ એક સેમેસ્ટરના રૂ. ૨૭૮ ચુકવવા પડશે. આમ બે સેમેસ્ટરના રૂ. ૫૫૬ ભરવા પડશે. નવાઇની વાતતો એ છે કે પહેલા આખું વર્ષ વિદ્યાર્થીઓને રૂ.૨૭૮માં તમામ વિષયના પુસ્તકોનો સેટ ચાલી જતો હતો. પરંતુ સેમેસ્ટર સિસ્ટમના કારણે વાલીઓને પુસ્તકો પાછળ ડબલ નાણાં ખર્ચ કરવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત ધો. ૬,૭,૮ના પુસ્તકોમાં વાલીઓએ રૂ. ૨૬૪, રૂ. ૨૭૬ અને રૂ. ૩૦૨ ચુકવવા તૈયાર રહેવુ પડશે. આમ પુસ્તકોમાં ૧૫૦ ટકા સુધીનો વધારો થાય તેવી પૂરી શક્યતાઓ છે.
તો....પાઠય પુસ્તકોનું વેચાણ બંધ કરાશે
સરકારે પાઠય પુસ્તકોમાં વધારો કરતા તેની સામે વેપારીઓને મળતા કમિશનમાં કોઇ વધારો કરાયો નથી. હાલમાં અમને ૧૨ ટકા જેટલું કમિશન મળે છે. પેટ્રોલના ભાવ આસમાને હોવાથી ટ્રાન્સપોર્ટેશન સહિત વિદ્યાર્થીઓને અન્ય કમિશન આપતા હોવાથી અમને મળવા પાત્ર કમિશન સાત ટકા જ્ટલું થાય છે જે પોષાય તેમ નથી. જો આગામી સમયમાં સરકાર ૧૨ ટકા વધારી કમિશન ૧૭ ટકા નહીં કરે તો પુસ્તકોનું વેચાણ બંધ કરી દેવા સહિત ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ગુજરાત બુક સેલર્સ એન્ડ સ્ટેશનર્સ હિત રક્ષક સમિતિએ આપી છે.
પ્રાઇવેટ પ્રકાશનોએ પણ ભાવ વધાર્યા
ધો. ૧૦ અને ધો. ૧૨માં પાઠયપુસ્તકોમાં ભાવ વધતા સાથે પ્રાઇવેટ કંપનીઓના પ્રકાશનોએ પણ તેનો લાભ ઉઠાવી ભાવ વધારી વાલીઓની ચિંતા વધારી દીધી છે. વિવિધ ગાઇડો તેમજ સ્વાધ્યાયપોથીઓના ભાવમાં ૧૦૦ ટકાનો વધારો થતાં વાલીઓના આર્થિક બજેટ પર મોટી અસર વર્તાશે.
અંગ્રેજી માધ્યમના પુસ્તકોની અછત
ધો. ૧૦માં અંગ્રેજી માધ્યમમાં વાર્ષિક ૧.૭૫ લાખ પુસ્તકોના સેટની જરૂરિયાત છે તેની સામે હજું ૬૦ થી ૭૦ હજાર પુસ્તકોના સેટ બજારમાં આવેલ છે.
ધો.૬,૭,૮માં ૧૫૦% વધારાની શક્યતા
વર્ષ | ધો. ૬ | ધો. ૭ | ધો. ૮ |
૨૦૧૧ | ૯૪ | ૯૭ | ૧૪૦ |
૨૦૧૨ | ૧૩૨ | ૧૩૮ | ૧૫૧ (એક સમેસ્ટરના) |
કુલ | ૧૩૨ | ૧૩૮ | ૧૫૧ (બીજા સેમેસ્ટરના) |
નવાઇની વાત તો એ છે કે સેમેસ્ટર સિસ્ટમ અમલમાં આવતા વાલીઓએ પાઠયપુસ્તકોમાં ડબલ કરતા વધુ ભાવ ચુકવવાનો વારો આવ્યો છે. જેના કારણે વાલીઓમાં પણ ભારે અસંતોષની લાગણી વ્યાપી ગઇ છે.
ધો. ૧૦ના પુસ્તકોમાં ૧૦૦%નો વધારો
ધો.૧૦ | વર્ષ ૨૦૧૧ | વર્ષ ૨૦૧૨ |
ગણિત | ૪૫ | ૯૧ |
વિજ્ઞાન | ૫૨ | ૮૯ |
કુલઃ | ૯૭ | ૧૮૦ |
ધો. ૧૨ વિ.પ્ર.માં ૧૩૦%નો વધારો
ધો. ૧૨ | વર્ષ ૨૦૧૧ | વર્ષ ૨૦૧૨ |
સેટનો ભાવ | ૨૫૨ | ૨૭૮(પ્રથમ સેમેસ્ટર) |
૨૭૮(બીજા સેમેસ્ટર) | ||
કુલઃ | ૨૫૨ | ૫૫૬ |
No comments:
Post a Comment
Welcome