૭૩ મોડલ સ્કૂલમાં ધો.૧૨ સાયન્સ સુધી મફત શિક્ષણ


છેલ્લા ત્રણ વર્ષથી સતત વિવાદોમાં રહેલી 'મોડલ સ્કૂલ સ્કીમ' હેઠળ રાજ્યમાં શિક્ષણકાર્ય શરૂ કરવા માટે છેવટે ગુજરાત સરકારે જમીનોની ફાળવણી શરૂ કરી દીધી છે. જેની સાથે જ ૭૩ જેટલા સ્થળોએ કે જ્યાં આ પ્રકારની મોડલ સ્કૂલો શરૂ કરવામાં આવનાર છે તે સ્થળોની પણ ગુજરાત સરકારે જાહેરાત કરી છે. ભારત સરકાર અને ગુજરાત સરકારની ૫૦-૫૦ ટકાની ભાગીદારીથી અસ્તિત્વમાં આવનાર આ સ્કિમમાં શૈક્ષણિક સ્તરે સાવ પછાત વિસ્તારોમાં ધોરણ-૬થી ૧૨ સુધીનું મફત શિક્ષણ ઉપલબ્ધ થશે.
  • કેન્દ્ર અને રાજ્ય સરકારની પાર્ટનરશિપમાં આયોજન
  • પ્રત્યેક કેમ્પસમાં ધોરણ ૬થી ૧૨ સુધીના બબ્બે વર્ગો
  • અદ્યતન કમ્પ્યુટર, સાયન્સ લેબ સહિતની સવલતો
જેમાં સામાન્ય પ્રવાહથી લઈને સાયન્સના વિષયોનો સમાવેશ થાય છે. અગાઉ જમીનની ફાળવણીને કારણે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વિવાદોનુ ઘર બનેલી 'મોડલ સ્કૂલ સ્કીમ' હવે પુરજોશમાં આગળ વધી રહી છે. પ્રથમ તબક્કે ગુજરાતમાં આ સ્કિમ હેઠળ ૮૨ જેટલી મોડલ સ્કૂલો શરૂ કરવામાં આવનાર છે. આ માટે રાજ્યના ૨૦ જિલ્લાઓમાં મહેસૂલ વિભાગ તરફથી જમીનો આપી દેવાઈ હોવાનું જણાવતા શિક્ષણ વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, કેન્દ્રીય વિદ્યાલયોની તર્જ ઉપર શરૂ થનારી ધોરણ-૬થી ૧૨ સુધીની મોડલ સ્કુલો સ્થાનિક સ્તરે અન્ય શાળાઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે. અત્યંત ગરીબ અને શૈક્ષણિક સ્તરે પછાત, આંતરિયાળ વિસ્તારમાં તૈયાર થનારા મોડલ સ્કૂલ કેમ્પસમાં અદ્યતન કમ્પ્યુટર, સાયન્સ લેબ ઉપરાંત બી.એડ., એમ.એડ. થયેલા ઉત્તમ શિક્ષકો દ્વારા શૈક્ષણિક કાર્ય થશે. ધોરણ-૬થી ૧૨ના તમામ પ્રવાહોના બબ્બે વર્ગો સાથે શરૂ થનારી મોડલ સ્કૂલોનું સંચાલન ગુજરાત કાઉન્સીલ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા થશે. કેન્દ્ર અને રાજ્યની ૫૦-૫૦ ટકાની હિસ્સેદારીથી આકાર પામનાર આ પ્રકારની પ્રત્યેક સ્કૂલના બાંધકામ પાછળ રૂ.૩.૦૨ કરોડનો ખર્ચ નિયત કરવામાં આવ્યો છે. પ્રત્યેક સ્કૂલ માટે ૬ એકર જમીન સરકાર તરફથી ફાળવી આપવામાં આવી છે. કેટલાક સ્થળોએ તો સ્કૂલના બાંધકામ માટેના ટેન્ડર પણ ઈશ્યૂ કરી દેવાયા છે. મોડામાં મોડા જૂન-૨૦૧૪થી આ પ્રકારની મોડલ સ્કૂલોમાં નવા શિક્ષકો સાથે શિક્ષણકાર્ય આરંભ થઈ જશે તે લક્ષ્યાંકથી સમગ્ર શિક્ષણ વિભાગ આગળ વધી રહ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.
મોડલ સ્કૂલ કેમ્પસ આકાર લેવાની છે તે વિસ્તારો
* અમદાવાદઃ બાવળા, રાણપુર, સાણંદ, વિરમગામ
* અમરેલીઃ જાફરાબાદ, રાજુલા
* બનાસકાંઠાઃ અમીરગઢ, ભાભર, દાંતા, દાંતીવાડા, ડિસા, ધાનેરા, દિયોદર, કાંકરેજ, થરાદ અને વાવ
* ભાવનગરઃ ભાવનગર, બોટાદ, ઘોઘા, મહુવા, પાલિતાણા, તળાજા
* દાહોદઃ દેવગઢબારિયા, ધાનપુર, દાહોદ, ફતેપુરા, ગરબાડા, ઝાલોદ, લીમખેડા
* જામનગરઃ કલ્યાણુર,ખંભાળિયા, ઓખા બંદર,
* જુનાગઢઃ પાટણ વેરાવળ, સુત્રાપાડા, ઉના
* કચ્છઃ અબડાસા, અંજાર, ભચાઉ, ભુજ, ગાંધીધામ, રાપર, લખપત
* ખેડાઃ બાલાસિનોર
* મહેસાણાઃ સતલાસણા
* નર્મદાઃ દેદિયાપાડા, સાગબારા
* પંચમહાલઃ ઘોઘંબા, ગોધરા, હાલોલ, જાબુંઘોડા, કડાણા, ખાનપુર, મોરવા, સંતરામપુર, શહેરા,
* પાટણઃ હારિજ, રાધનપુર, સમી, સાંતલપુર, વાગદોડ
* રાજકોટઃ જસદણ, માલિયા, વાંકાનેર
* સાબરકાંઠાઃ ખેડબ્રહ્મા, માલપુર, મેઘરજ
* તાપીઃ નિર્ઝર, સોનગઢ, ઉચ્છલ
* સુરતઃ ઉમરપાડા
* સુરેન્દ્રનગરઃ ચોટીલા, ચૂડા, દસાડા, ધાંગધ્રા, હળવદ, લખતર, લીમડી, મૂળી, સાયલા
* વલસાડઃ ધરમપુર, કપરાડા
* વડોદરાઃ છોટા ઉદેપુર, જેતપુર પાવી, કવાંટ, નસવાડી

No comments:

Post a Comment

Welcome