ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ બોર્ડ પાસેથી ઉત્તરવહીની કોપી મેળવી શકશે


શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ અને ધો. ૧૨ આગામી જાહેર થનાર પરીણામમાં બાદ જે વિદ્યાર્થીઓને અપેક્ષા કરતા ઓછા ગુણ આવ્યા હશે તેવા વિદ્યાર્થીઓ આ વર્ષે બોર્ડ પાસેથી ઉત્તરવહીની કોપી મેળવી શકશે. જે સંલગ્ન જાણકારી મેળવવી હોય તો 'માહિતી અધિકાર ગુજરાત પહેલ' નામની સંસ્થા દ્વારા વિદ્યાર્થી માટે સહાયતા કેન્દ્ર કરવામાં આવ્યુ છે. ઉપરાંત આરટીઆઇ ઓન વ્હીલ નામની વાન પણ અરજદારોને મદદરૂપ થશે. ઉલ્લેખની છે કે ધો. ૧૦,૧૨ની પરીક્ષા આશરે ૧૫ લાખ જેટલા વિદ્યાર્થીઓએ આપી છે.
કોઇપણ બોર્ડની પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓ માટે તેની ચકાસેલી ઉત્તરવહીની નકલ મળે તે ખુબજ અગત્યનું છે. ચાર વર્ષ પહેલ ચાર હજાર ઉપરાંતના વિદ્યાર્થીઓ દ્વારા પહેલ કરવામાં આવી હતી. તેઓએ શિક્ષણ બોર્ડ પાસે ઉત્તરવહીની પ્રમાણિત નકલ માગી હતી. માહિતી આયોગે પણ ઉત્તરવહીની નકલ મળવા પાત્ર માહિતી છે તેવુ અર્થઘટન કરી વિદ્યાર્થીઓ તરફેણમાં ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે પણ ચુકાદામાં સ્પષ્ટપણે કહ્યું છે કે વિદ્યાર્થીઓને ઉત્તરવહીની નકલ આપવી જોઇએ.
એટલું જ નહીં, આરટીઆઇના કાયદા પ્રમાણે ઉત્તરવહીની નકલ ૩૦ દિવસને બદલે ૪૮ કલાકમાં આપવી જોઇએ તેવું સંસ્થાનું કહેવું છે.
 ગુજરાતના પડોશી રાજય રાજસ્થાનમાં પણ વિદ્યાર્થીઓને ઉત્તરવહી આપવામાં આવે છે. આવા સંજોગોમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે પણ ધો. ૧૦,૧૨ના વિદ્યાર્થીઓને ઉત્તરવહી મળી શકે છે તેવું માહિતિ અધિકાર ગુજરાત પહેલ નામની સંસ્થાના પંકિત જોગે જણાવ્યુ હતું. સંસ્થાએ વિદ્યાર્થીઓ માટે સહાયતા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. તેની હેલ્પલાઇન પણ મોબાઇલ નંબર ૦૯૯૨૪૦૮૫૦૦૦ પર શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ ઉત્તરવહી કઇરીતે મેળવવી તેની અરજી તૈયાર કરવા માંગે તો તેની મદદ પણ સંસ્થા દ્વારા દર શનિવાર સાંજે ૪થી૬ દરમિયાન રૂબરૂમાં આપવામાં આવશે.
ઉત્તરવહીની નકલના મુદ્દે સત્તાધીશો દ્વિધામાં
ઉત્તરવહી બાબતે માધ્યમિક શિક્ષણ બોર્ડના ટોચના સુત્રોનો સંપર્ક કરતા તેમણે નામ ન આપવાની શરતે કહ્યું હતું કે ઉત્તરવહીની નકલ આપવાનો મુદ્દો સ્પષ્ટ નથી. આ મુદ્દે હજુસુધી કોઇ નિર્ણય લેવાયો નથી. બોર્ડ વિદ્યાર્થીઓની ગુણ ચકાસણીની અરજી અને ધો. ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓને ઉત્તરવહી અવલોકનની તક આપે છે. આમછતા કોઇ વિદ્યાર્થી ઉત્તરવહીની નકલ માંગશે તો ત્યારે કાયદાકીય માર્ગદર્શન લઇને કાર્યવાહી કરાશે. આ મુદ્દે હજુ કોઇ સ્પષ્ટ નિર્ણય લેવાયો નથી.

No comments:

Post a Comment

Welcome