યુવાનોના પ્રેરણામૂર્તિ એવા સ્વામી વિવેકાનંદ જન્મજ્યંતિના ૧૫૦ વર્ષ નિમિત્તે ગુજરાત સરકારે યુવા વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરીને રાજ્યના મહેનતકશ યુવાનો, ગરબી અને મધ્યમ વર્ગથી માંડીને સમૃદ્ધ પરિવારોના સંતાનોને પણ હવે આઇટીઆઇના અભ્યાસક્રમો પ્રત્યે આકર્ષ જાગે એવા પ્રયાસો શરૂ કર્યા છે એટલું જ નહીં આવા યુવાનોને વિશેષ પ્રકારની તાલીમ આપીને રોજગારી અને સ્વરોજગારી માટે સક્ષમ બનાવવા હાથ ધરેલા એક સર્વગ્રાહી અભિયાનના ભાગરૂપે આજે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એવો સંકેત આપ્યો હતો કે, ધો.૮ પાસ હોય અને બે વર્ષ આઇટીઆઇનો કોર્સ કરનાર વિદ્યાર્થીને ધો.૧૦ ઉત્તિર્ણ સમકક્ષ તેમજ ધો.૧૦ની પરીક્ષા પાસ કરનાર બે વર્ષનો કોર્સ કરે તેને ધો.૧૨ ઉત્તિર્ણ સમકક્ષ ગણવાની સરકારે જાહેરાત કરી છે. હવે આવા ધો.૧૨ સમકક્ષ પાસ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા વગર પણ ડિપ્લોમા અને ત્યાર બાદ ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવી શકે તેવી વ્યવસ્થા શરૂ કરવામાં આવશે.
- ઉત્તર ગુજરાતના ૧૪ હજાર યુવાનોને મુખ્યમંત્રીના હસ્તે રોજગારપત્રો અપાયાં
વિશ્વમાં ભારત જ એક એવો દેશ છે જેની કુલ વસતિના ૬૫ ટકા લોકો ૩૫ વર્ષ કે તેથી ઓછી ઉંમરના યુવાનો છે અને એટલે જ ૨૧મી સદી ભારતની કે ચીનની રહેશે એ નક્કી કરવાનું સામર્થ્ય દિલ્હીના રાજનેતાઓ નહીં બલ્કે યુવાનો નક્કી કરશે. આ યુવાનોમાં અમાપ શક્તિઓ રહેલી છે અને તેમને કૌશલ્ય અને હુન્નરની તાલીમ આપીને આ સામર્થ્ય પૂરું પાડવાનું એક અભિયાન ગુજરાત સરકારને શરૂ કર્યું છે, તેમ કહીને મોદીએ જણાવ્યું છે કે, પહેલાના સમયમાં આઇટીઆઇમાં ભણતા વિદ્યાર્થી પ્રત્યે કોઇને જાણે માન થતું ન હતું. આઇટીઆઇ પણ જૂની પંરપરાગત મશીનરી, ખખડી ગયેલા બિલ્ડીંગમાં ભણતા, તાલીમ લેતાં વિદ્યાર્થીઓ,જૂની ટેક્નોલોજીનું જ્ઞાન પિરસતા હતા. આ સરકારે તેમાં આમુલચુર પરિવર્તન આણ્યું છે. અઢીસો-પોણા ત્રણસો આઇટીઆઇને વધારીને આજે ૧૦૦૦થી વધુ સુધી આંકડો પહોંચાડયો છે અને ૭૭૦૦૦ વિદ્યાર્થીઓને બદલે હવે પોણા પાંચ લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ, તાલીમ લઇ રહ્યા છે. એટલું જ નહીં આઇટીઆઇ જેવી પાયાની મહત્ત્વની તાલીમને આધુનિક ઓપ આપ્યો, ઉદ્યોગોની માંગ પ્રમાણે કોર્સ શરૂ કર્યા અને તેમાંથી ર્સિટફિકેટ લઇને બહાર નીકળતા યુવાનને તત્કાળ રોજગારી મળી જાય એવુ એક આખુ નેટવર્ક ઊભું કર્યું છે. આ સરકાર તેમાં પણ હજુ નવા આયામો ઉમેરવા માગે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
સ્વામી વિવેકાનંદ રોજગાર સપ્તાહ અંતર્ગત આજે અમદાવાદ ખાતે ઉત્તર ગુજરાતના ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા,સાબરકાંઠા અને અમદાવાદ જિલ્લાના ૧૩૩૮૦ યુવાનોને ખાનગી ઉદ્યોગો, સંસ્થાઓમાં રોજગારી પત્રો મુખ્યમંત્રીના હસ્તે એનાયત થયા હતા. રાજકોટ, વડોદરામાં બે દિવસ પહેલા આવા જ કાર્યક્રમમાં અને હવે આવતીકાલે સુરતમાં મળીને ચાર દિવસમાં કુલ ૬૫૦૦૦ યુવાનોને રોજગારી પત્રો એનાયતક રાયા છે. આગામી દિવસોમાં આ આંકડો એક લાખ સુધી પહોંચાડવાનો છે, તેમ મોદીએ જાહેર કર્યું હતું.
મુખ્યમંત્રીએ શ્રમનો મહિમા સમજાવ્યો હતો અને યુવાનોને અપીલ કરી હતી કે ‘શ્રમ એ જ જયતે’ છે. શ્રમ અને શ્રમિકનું દેશના ઘડતરમાં યોગદાન વ્હાઇટ કોલરવાળા કરતાં વધારે છે ત્યારે ગુજરાત સરકારને પ્રયાસ આ શ્રમ અને શ્રમિકને ગૌરવ વધારવાનો છે. સમાજમાં તે આત્મસન્માનથી જીવી શકે. આગળ વધી શકે અને ૨૧મી સદી યુવા ભારતની બની રહે એવો પ્રયાસ છે. આ પ્રસંગે શ્રમ અને રોજગારમંત્રી વજુભાઇ વાળાએ શ્રમ વિભાગની કામગીરી રજૂ કરી હતી. જ્યારે શ્રમરાજ્ય મંત્રી લીલાધર વાઘેલાએ પ્રાસંગિક સંબોધન કર્યું હતું. અગ્રસચિવ, શ્રમ પી.પનિરવેલે સ્વાગત પ્રવચન કર્યું હતું.
No comments:
Post a Comment
Welcome