કેન્દ્ર સરકારે અમલમાં મૂકેલા રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ગુજરાત સરકારે સમિતિ બનાવીને તેના અમલ માટે નિયમો તૈયાર કરાવ્યા છે. આ નિયમો મુજબ શાળાઓએ ગરીબ અને પછાતવર્ગના બાળકોને મફત શિક્ષણ આપવાનું છે તેનો અર્થ એવો નથી કે ગમે તેવું શિક્ષણ ચાલશે.
- શિક્ષણનું સ્તર, ભૌતિક સુવિધા, વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ જેવા પરિમાણો આવરી લેવાશે
શિક્ષણમાં ગુણવત્તા અચૂક જાળવવાની રહેશે. ગુજરાત સરકારે શિક્ષણમાં ગુણવત્તા જળવાય તે માટે શાળાઓનું મૂલ્યાંકન કરવા ચાર પ્રકારના માપદંડ નિર્ધારિત કર્યા છે. ઉલ્લેખનીય છે, અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતે શાળાઓના મૂલ્યાંકન માટે અનોખી પધ્ધતિ અપનાવી છે. રાઇટ ટુ એજ્યુકેશન એકટ મુજબ વર્ગખંડનું લઘુતમ ક્ષેત્રફળ ૩૦૦ સ્કવેર ફૂટનું હોવું જરૂરી છે. આ પ્રકારનું ચોક્કસ ધોરણ ન હોય તેવી શાળાઓને બંધ કરી દેવાને બદલે રાજ્યના આરટીઇ એક્ટમાં કેટલીક છુટછાટ આપવામાં આવી છે. આવી શાળાને બંધ કરવાને બદલે શાળાનું સંચાલન સરકાર કરે અથવા તો અન્ય ટ્રસ્ટને સોંપી દેવાની જોગવાઇ કરાઇ છે.
શાળાઓનું મૂલ્યાંકન કરવા જે ગુજરાત સરકારે જે ચાર પ્રકારના ધોરણો અપનાવ્યા છે તે આ મુજબ છેઃ
(૧) વિદ્યાર્થીઓ શાળામાં કેટલું શિક્ષણ ગ્રાહ્ય કરે છે તે માપવામાં આવશે. આ માટે ચોક્કસ ધોરણોવાળી પરીક્ષા લેવાશે. તેના આધારે વિદ્યાર્થીઓએ કેવું, કેટલું શિક્ષણ ગ્રહણ કર્યું તેનું માપન કરાશે. આ મૂલ્યાંકનના ૩૦ ટકા માર્કસ રખાયા છે.
(૨) વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સ્તર કેટલું છે એટલે કે વિદ્યાર્થીઓએ શિક્ષણ મેળવ્યા પછી તેમનું પરિણામ કેવું છે તેનું મૂલ્યાંકન કરીને શાળાનું મૂલ્યાંકન કરાશે. આ માટે ૪૦ ટકા માર્કસ રખાયા છે.
(૩) જે- તે શાળાને કેવા પ્રતિભાવો મળે છે ? તે ધ્યાનમાં લેવાશે. આ માટે વાલીઓના પ્રતિભાવો લેવામાં આવશે. તે માટે સર્વે કરવામાં આવશે. આ પ્રતિભાવના આધારે ૧૫ ટકા માર્કસ આપવામાં આવશે.
(૪) શાળામાં વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક અને ભૌતિક સુવિધા કેવી છે ?, સ્પોર્ટસ એક્ટિવિટી, પર્સનાલિટી ડેવલપમેન્ટ, મૂલ્યોનું સિંચન, ઘડતર થાય છે કે કેમ તે બાબતને ધ્યાનમાં લેવાશે. આ મૂલ્યાંકન બદલ ૧૫ ટકા માર્કસ મુકરર થયા છે.
No comments:
Post a Comment
Welcome