ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું ૬૬.૫૧ ટકા પરિણામ

ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું ૬૬.૫૧ ટકા પરિણામ

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી પરીક્ષા

વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થિનીઓનું ૧૫ ટકા વધુ પરિણામ રાજ્યભરમાં A1 ગ્રેડ મેળવનારા



                              ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૧૨માં લેવાયેલી ધો. ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ૬૬.૫૧ ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થિનીઓનું ૧૫.૬૦ ટકા પરિણામ વધુ આવ્યું છે. રાજયભરના એ-૧ ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ માત્ર ૯૨ વિદ્યાર્થીની છે. જે ગત વર્ષે ૧૦૭ની હતી. છેલ્લા સાત વર્ષમાં ધો. ૧૨નું આ વર્ષે સૌથી ઓછું પરિણામ છે. આ વખતની પરીક્ષામાં ઝાલોદ કેન્દ્રનું સૌથી વધુ ૯૭.૧૧ ટકા જયારે દ્વારકા કેન્દ્રનું સૌથી ઓછું ૩૫.૭૪ ટકા પરિણામ આવ્યું છે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યનાં ૩૫૦ કેન્દ્રો પરથી લેવાયેલી આ પરીક્ષા માટે કુલ ૫,૩૨,૭૭૬ વિદ્યાર્થી નોંધાયા હતા. જેમાંથી ૫૧૮૬૨૩ વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા અને ૩૪૪૯૩૮ વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયા છે. બોર્ડની વેબસાઇટ પરથી સોમવારે સવારે પરિણામની જાહેરાત કરાઈ હતી. રાજયમાં સૌથી વધુ પરિણામ સાબરકાંઠા જિલ્લાનું ૮૧.૯૧ ટકા છે. સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો પોરબંદર છે. જેનું પરિણામ ૪૭.૧૩ ટકા છે.
૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ૬૫ની છે. ૧૦ ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ૪ છે. એક વિષયમાં પરિણામ સુધારણાની જરૃરીયાતવાળા વિદ્યાર્થીઓની સંખ્યા ૯૭૩૩૭ની છે. જેઓની પૂરક પરીક્ષા આગામી જુલાઈમાં લેવાશે. આ પરીક્ષા દરમિયાન ગુજરાતભરમાંથી ગેરરીતિનાં કુલ ૮૨ કેસ નોંધાયા હતા. સમગ્ર પરિણામની ખાસિયત એ છે કે વિદ્યાર્થીઓની સામે વિદ્યાર્થિનીઓ મેદાન મારી ગઈ છે. વિદ્યાર્થીઓનું પરિણામ ૬૦.૩૬ ટકા છે. જેની સામે વિદ્યાર્થિનીઓનું પરિણામ ૭૫.૯૬ ટકા છે. આમ છોકરીઓનું પરિણામ છોકરાઓ કરતાં ૧૫.૬૦ ટકા વધુ છે. એ-વન ગ્રેડ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર ૯૨ની છે. જે ગત વર્ષે ૧૦૭ની હતી. જયારે એ-ટ૨ ગ્રેડ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૬૬૦૨ છે. જે ગત વર્ષ કરતા થોડી ઓછી છે.દર વખતની જેમ આ વર્ષે પણ અંગ્રેજી માધ્યમનાં વિદ્યાર્થીઓની પાસ થવાની ટકાવારી વધુ છે.
 અંગ્રેજીનું ૭૭.૮૫ ટકા જયારે ગુજરાતી માધ્યમનાં વિદ્યાર્થીઓનું પરિણામ ૬૬.૩૦ ટકા આવ્યું છે. ડીફરન્ટલી એબલ્ડ વિદ્યાર્થીઓને ૨૦ ટકા પાસીંગ ધોરણનો લાભ અપાયો છે. આ રીતે ૧૪૫૯ વિદ્યાર્થી પાસ થયા છે. વિદ્યાર્થીઓનું ગ્રેડવાર પરિણામ અપાયું છે. વિદ્યાર્થીને તેના ગુણપત્રકમાં વિષયવાર ગ્રેડ, એકંદર ગ્રેડ અને પર્સન્ટાઈલ રેન્ક દર્શાવાયા છે.

૨૦૦૬ પછી આ વર્ષનું સૌથી ઓછું પરિણામ
અમદાવાદ, સોમવાર
ધો. ૧૨ સામાન્ય પરીક્ષાનું આ વખતનું પરિણામ છેલ્લા સાત વર્ષનું સૌથી ઓછું છે. ૨૦૦૬માં નવો કોર્સ આવ્યા બાદ ૯૧ ટકા પરિણામ આવ્યું હતું.
ત્યારબાદ ૨૦૦૭માં ૮૯ ટકા, ૨૦૦૮માં ૮૭ ટકા, ૨૦૦૯માં ૮૫ ટકા, ૨૦૧૦માં ૮૬ ટકા, ૨૦૧૧માં ૭૭ ટકા અને ગત વર્ષે ૨૦૧૨માં ૬૮.૪૪ ટકા પરિણામ આવ્યું હતું.
જયારે આ વર્ષે માત્ર ૬૬.૫૧ ટકા પરિણામ જ આવ્યું છે. પરિણામ શા માટે ઘટી રહ્યું છે તે અંગે સ્કૂલમાં શિક્ષકો અને આચાર્યો કશી સ્પષ્ટતા કરી શકતા નથી.

૧૪ જિલ્લાના એકપણ વિદ્યાર્થીને A1 ગ્રેડ મળ્યો નથી
અમદાવાદ, સોમવાર
ધો. ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૨૦૧૧માં કુલ ૨૨૧ વિદ્યાર્થીઓને એ-૧ ગ્રેડ મળ્યો હતો. જે ગત વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટીને ૧૦૭ની અને આ વર્ષે ૯૨ની થઇ ગઈ છે. આ ૯૨ માંથી પણ અમદાવાદનાં જ ૨૫ વિદ્યાર્થીઓ છે. જયારે રાજકોટના ૨૩ અને સુરતના ૧૪ વિદ્યાર્થી છે. આ સિવાય અમદાવાદ રૃરલમાંથી ૭, જૂનાગઢમાંથી ૭ અને ભાવનગરમાંથી ૫ વિદ્યાર્થીને એ-૧ ગ્રેડ મળેલો છે. જયારે જામનગરમાંથી બે, સુરેન્દ્રનગરમાંથી બે અને કચ્છ, ખેડા, ભરૃચ, સાબરકાંઠા, નવસારી, દાહોદમાંથી એક-એક વિદ્યાર્થીને એ-૧ ગ્રેડ મળેલો છે.  આ સિવાયનાં ૧૪ જિલ્લામાંથી એકપણ વિદ્યાર્થીને એ-૧ ગ્રેડ મળ્યો નથી. જેમાં અમરેલી, ડાંગ, પંચમહાલ, બનાસકાંઠા, મહેસાણા, બરોડા, વલસાડ, આણંદ, પાટણ, પોરબંદર, નર્મદા, ગાંધીનગર અને તાપીનો સમાવેશ થાય છે.

ગુણ ચકાસણીની અરજીઓ ૧૦થી ૨૪ જૂન સુધી સ્વીકારાશે
જુલાઇમાં લેવાનારી પૂરક પરીક્ષામાં એક વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થી બેસી શકશે
અમદાવાદ, સોમવાર
ધો. ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છ. તેની સાથે જ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા કેટલીક અગત્યની સૂચના પણ અપાઇ છે. જેમાં ખાસ કરીને ગુણ ચકાસણીની અરજીઓ તા. ૧૦થી ૨૪ જુન સુધી સ્વીકારવાની જાહેરાત કરાઇ છે. જિલ્લાના બોર્ડ દ્વારા નિયત થયેલા અરજી સ્વીકાર કેન્દ્ર પર નિયત કરેલી ફીનાં ડી.ડી. જમા કરાવવાનાં રહેશે.
દફતર ચકાસણીની અરજીઓ પણ ૨૪ જુન સુધી સ્વીકારાશે. કૃપા-ગુણથી પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયેલા ઉમેદવારની ગુણની તૂટ રદ કરવાની અરજીઓ ૧૦ જુલાઇ સુધી સ્વીકારાશે. પ્રમાણપત્ર મેળવવાને પાત્ર વિદ્યાર્થીઓનું પરિણામ સુધારવા પુનઃ ઉપસ્થિત થવા માટેનાં અરજીપત્રકો ૧ સપ્ટેમ્બરથી ૩૦ તારીખ સુધી સ્વીકારાશે.
નામ-જોડણીમાં સુધારો કરવાનો હોય તો તુરંત જ શાળાએ બોર્ડને સાધનિક કાગળો સાથે અરજી કરી સુધારેલા ગુણપત્રકો મેળવી લેવાના રહેશે. જુલાઇ ૨૦૧૩ની પુરક પરીક્ષા માટે વિષયમાં પરિણામ સુધારવાની જરૃરીયાતવાળા પરીક્ષાર્થીઓનાં આવેદનપત્રો ગુણ-ચકાસણીના જવાબની રાહ જોયા વગર શાળાના આચાર્યએ મોકલવાના રહેશે. જે મોકલવાની અંતિમ તારીખ ૨૪મી જુન છે. આઇસોલેટેડ (પૃથ્થક) ઉમેદવારો જુલાઇની પુરક પરીક્ષામાં હાજર રહી શકશે નહીં.  
                                                                                                   સંકલન:ગુજરાત સમાચાર