પ્રવેશોત્સવના તાયફાઓ વચ્ચે શિક્ષકોની ૧,૧૨૧ જગ્યા ખાલી

                  રાજ્ય સરકાર દરેક બાળકોને શિક્ષણ મળે તે માટે કન્યા કેળવણી, પ્રવેશોત્સવ અને ગુણોત્સવની સુફિયાણી વાતો કરે છે તો બીજી તરફ અમદાવાદ મ્યુનિ.સ્કૂલ બોર્ડ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો અને કર્મચારીની અછતને કારણે ગુણવત્તાસભર શિક્ષણની વાતોનો સરેઆમ છેદ ઊડી રહ્યો છે. શહેરમાં મ્યુનિ. સ્કૂલ બોર્ડ સંચાલિત ૪૬૪ શાળાઓમાં શિક્ષકોની ૧૧૨૧ જગ્યાઓ લાંબા સમયથી ખાલી પડેલી છે. ધોરણ ૧થી પમાં મંજૂર મહેકમ ૩૨૧૬ છે તેની સામે ૨૬૮૯ શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. ધોરણ ૬થી ૮માં મંજૂર મહેકમ ૧૬૦૬નું છે જેની સામે ૧૦૧૨ શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે.
  • કન્યા કેળવણી, ગુણોત્સવની ગુલબાંગો પણ સ્થિતિ ઠેરની ઠેર
કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૦૯માં ૬થી ૧૪ વર્ષના બાળકોને ફરજિયાત શિક્ષણ મળે તે માટે શિક્ષણનો અધિકારનો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો હતો. આ બાળકોને શિક્ષણ મળે તે માટેની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકાર કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની રહેશે તેવી જોગવાઇ છે. જેમાં દરેક પ્રાથમિક શાળાઓમાં પૂરતા શિક્ષકો અને વિદ્યાર્થીઓને ઘરથી નિયત કરેલા અંતરે જ સ્કૂલ હોય તેવી વ્યવસ્થા કરવાની હતી પણ અત્યાર સુધીમાં બાળકોને ગુણવત્તાસભર શિક્ષણની વાતો થઇ છે. અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડ સંચાલિત શાળામાં દિવસે ને દિવસે બાળકોની સંખ્યા ઘટી રહી છે. ચાલુ શૈક્ષણિક સત્રમાં તો ધોરણ ૧માં માત્ર ૨૦,૦૦૦ બાળકોએ પ્રવેશ મેળવ્યો છે. શિક્ષકો ઉપરાંત અન્ય કર્મચારીઓની જગ્યાઓ ખાલી હોવાને કારણે તેની સીધી અસર બાળકોના શિક્ષણ ઉપર પડી રહી છે તેવી ફરિયાદો પણ આવી રહી છે.
અમદાવાદ સ્કૂલ બોર્ડના સભ્ય રમેશ ચૌધરીએ જણાવ્યું કે,'સ્કૂલ બોર્ડની સ્કૂલોમાં શિક્ષકોની અછતને કારણે બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહ્યું નથી, ઘણી સ્કુલોમાં તો બેથી ત્રણ વર્ગના બાળકોને એક જ રૂમમાં બેસાડીને ભણાવવામાં આવે તેવી સ્થિતિ છે,ત્યારે શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ધોરણે ભરવી જોઇએ.' બીજી તરફ સત્તાધીશોનો દાવો છે કે,'સ્કૂલોમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા કોર્ટના આદેશથી અટકેલી છે જેવી કોર્ટ તરફથી લીલીઝંડી મળશે કે તુરંત જ શિક્ષકોની ભરતી કરાશે.'
ખાલી જગ્યાઓ
ધોરણમહેકમશિક્ષકોખાલી
૧થી ૫૩૨૧૬૨૬૮૯૫૨૭
૬થી ૮૧૬૦૬૧૦૧૨૫૯૪

સ્કૂલ બોર્ડમાં ૩૫૪ કર્મચારીઓની જગ્યાઓ ખાલી
મ્યુનિ.સ્કૂલ બોર્ડમાં વિવિધ હોદ્દાઓ પર કર્મચારીઓની ૩૫૪ જગ્યાઓ ખાલી પડેલી છે. સ્કૂલ બોર્ડમાં ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટની ૧,ચીફ એકાઉન્ટન્ટની ૧, વેલ્ફેર ઓફિસરની ૧, આસિ. ઓફિસ સુપ્રિ.ની ૧, એકાઉન્ટન્ટની ૧, ડે. એકાઉન્ટન્ટની ૧, શ્રોફની ૧, જુનિ.એકાઉન્ટન્ટની ૬, હેડ ક્લાર્કની ૪ અને સિનિયર અને જુનિયર ક્લાર્કની ૬૩ જગ્યાઓ ખાલી છે. ટ્રેઇન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઇઝરની ૭, પ્રાથમિક ટ્રેઇન્ડ સુપરવાઇઝરની ૨, મદદનીશ શાસનાધિકારીની ૩, અધ્યાપક(નૂતન તાલીમ વિભાગ)ની ૧, નાયકની ૬, પટાવાળાની ૩૫, પગીની ૯૩, પાણી પાનારની ૧૧૪ અને પૂર્વ પ્રાથમિક તેડાગરની ૧૩ જગ્યાઓ ખાલી પડેલી છે.
સંકલન:સંદેશ