CBSEના તમામ વિદ્યાર્થીને પ્રવેશ ગુજરાતના વિદ્યાર્થી પાછળ ધકેલાયા

ડિગ્રી એન્જિનીયરિંગ કોલેજોમાં

અગાઉ દરખાસ્ત થાય તેનાથી અડધાને જ પ્રવેશ મળતો હતો ઃ મેરિટ લિસ્ટ કોના લાભાર્થે ?


અમદાવાદ,રવિવાર
ડિગ્રી એન્જિનિયરિંગમા પ્રવેશ માટે ફાઇનલ એલોટમેન્ટ કરી દેવામાં આવ્યું છે.પ્રવેશ સમિતિ પાસે કુલ ૫૬ હજાર જેટલી બેઠકો ઉપલબ્ધ છે. જે માટે ૬૭૭૦૦ વિદ્યાર્થીઓએ દરખાસ્ત કરી હતી. ફોર્મ ભરનારા તમામ વિદ્યાર્થીઓને બેઠકોની ફાળવણી કર્યા પછી પણ ૪૦૩ જેટલી બેઠકો ખાલી પડી છે. બીજીબાજુ ચાલુ વર્ષો કોમન મેરિટલીસ્ટના કારણે સેન્ટ્રલ બોર્ડના જેટલા વિદ્યાર્થીઓએ દરખાસ્ત કરી તે તમામને પ્રવેશ મળી જતાં ગુજરાતના વિદ્યાર્થીઓએ મેરિટમાં પાછળ જવું પડયું હોવાની ફરિયાદ બહાર આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ડિગ્રી એન્જિનીયરિંગમાં પ્રવેશ માટે અરજી કરનારા વિદ્યાર્થીઓને આજે મેરિટ પ્રમાણે બેઠકોની ફાળવણી કરી દેવામાં આવી છે. મેરિટમાં પ્રથમ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીએ સ્થાન મેળવ્યું છે. પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને આગામી તા.૫મી સુધીમાં વેબસાઇટ પર પ્રિન્ટ કાઢીને બેંકમાં જઇને પૈસા ભરવાની રહેશે. ત્યારબાદ ઇન્ફર્મેશન સેન્ટર પર જઇને ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરાવીને સ્લીપ મેળવવાની રહેેશે. આટલી પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ પ્રવેશ માન્ય ગણવામાં આવશે. વિદ્યાર્થીઓએ કોલેજમાં જઇને રિપોર્ટિંગ કરવું ફરજિયાત નથી. ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે સેન્ટ્રલ અને ગુજરાત બોર્ડનું કોમન મેરિટલીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે.
સામાન્ય રીતે અત્યાર સુધી સેન્ટ્રલ બોર્ડના વિદ્યાર્થીઓને પ્રોરેટા પ્રમાણે ૩ થી ૪ ટકા બેઠકો ફાળવવામાં આવતી હતી. એટલે કે દરવર્ષે સેન્ટ્રલ બોર્ડના જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ માટે દરખાસ્ત કરે તેના અડધા વિદ્યાર્થીઓને પ્રવેશ મળતો હતો. તેમાં પણ બ્રાન્ચ પ્રમાણે બેઠકો એલોટ થતી હતી. એટલે કે મિકેનિકલ-સિવિલમાં પ્રોરેટા પ્રમાણે ૩ કે ૫ બેઠકો હોય તો આટલા વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવામાં આવતો હતો. ત્યારબાદ ગમે તેટલું મેરિટ ઉંચુ હોય તો પણ વિદ્યાર્થીને જે તે કોલેજની આ બ્રાન્ચ મળી શકતી નહોતી. કોંગ્રેસના પ્રવક્તા મનીશ દોશી કહે છે ચાલુ વર્ષે સેન્ટ્રલ બોર્ડના અંદાજે ૩૬૧૦ વિદ્યાર્થીઓએ દરખાસ્ત કરી તે તમામને પ્રવેશ ફાળવી દેવામાં આવ્યો છે. આ વિદ્યાર્થીઓને મેરિટમાં કોઇને કોઇ સ્થાને સમાવવાથી ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓએ મેરિટમાં પાછળ જવું પડયું છે. ખરેખર ગુજરાતે આ વ્યવસ્થા કોના લાભ માટે કરી છે તેની પણ જાહેરાત કરવી જોઇએ તેવી માંગ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. બેઠકો ખાલી રહે તો પણ સેન્ટ્રલ બોર્ડના વિદ્યાર્થીઓને ઇચ્છીત બ્રાન્ચ મળતાં ગુજરાતના વિદ્યાર્થીએ આ બ્રાન્ચ ગુમાવવી પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.