શાળાઓએ ડાયસ ફોર્મમાં હવે તમામ વિગતો જાહેર કરવી પડશે

                                 શાળાઓએ ડાયસ ફોર્મમાં હવે તમામ વિગતો જાહેર કરવી પડશે
 
- પ્રાથમિક, માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળાઓની વિગતો એકત્ર કરાશે
- ૧પમી સુધી ડાયસ ફોર્મ ભરવું ફરજિયાત

રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત શાળાઓની કામગીરી પારદર્શક બને એ હેતુસર સર્વ શિક્ષા અભિયાન મારફતે ડાયસ ફોર્મ મુજબ શાળાઓની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓએ ફરજીયાતપણે ડાયસ ફોર્મમાં પોતાની વિગતો જાહેર કરવાની રહેશે અને મોડામાં મોડુ ૧પમી ઓક્ટોબર સુધી ફોર્મ ભરવાનું રહેશે.

શિક્ષણના અધિકાર રાઇટ ટુ એજ્યુકેશન અધિનિયમ ૨૦૦૯ની કલમ ૧૨ તથા ગુજરાત રાઇટ ટુ એજ્યુકેશન રૂલ્સ અનુસાર દરેક શાળાઓએ વિદ્યાર્થીઓ, શિક્ષકો, ભૌતિક સુવિધા સહિ‌તની માહિ‌તી આપવી ફરજીયાત છે. 

પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓએ ૩૦મી સપ્ટેમ્બરની સ્થિતિએ શાળામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિ‌તની તમામ વિગતો ડાયસ ફોર્મમાં જાહેર કરવાની રહેશે. દરેક શાળાઓએ આ ફોર્મ ૧પમી ઓક્ટોબર સુધી ભરીને સીઆરસી અથવા બીઆરસીને પહોંચાડવાનું રહેશે એવી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તાકીદ કરવામાં આવી છે.

- માન્યતા રદ સુધીના પગલાં ભરાશે
રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત તમામ શાળાઓએ ડાયસ ફોર્મ ભરવું ફરજીયાત છે. શાળાઓએ પોતાની સાચી વિગતો જણાવવાની રહેશે. આમ છતાં જો શાળા દ્વારા ડાયસ ફોર્મ ભરવાની ગંભીરતા નહીં લેવાય તો માન્યતા રદ સુધીની કાર્યવાહી કરવામાં આવશે એવું શિક્ષણ કચેરી સુત્રોએ જણાવ્યું હતું.

- કેવી વિગતો જાહેર કરવી પડશે?સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ડાયસ ફોર્મમાં શાળાઓએ શાળાકીય વિગતો, શાળાનું માધ્યમ, ભૌતિક સુવિધાઓ અને સાધનો, શાળાનું મહેકમ, વિદ્યાર્થીઓ, શાળાની માન્યતા, શાળાનું સંચાલન સહિ‌ત વિવિધ માહિ‌તી જાહેર કરવાની રહે.