હવે બોર્ડની પરીક્ષામાં સંવેદનશીલ કેન્દ્રો પર મોબાઈલ જામર લગાવાશે


                     ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધો.૧૦ અને ધો. ૧૨ની પરીક્ષામાં ગેરરિતીઓ અટકાવવા ખાસ કરીને સંવેદનશીલ કેન્દ્રો પર શિક્ષણ બોર્ડ જામર લગાવવાનો નિર્ણય લીધો છે. આગામી ૨૪ સપ્ટેબરથી શરૂ થતી વિજ્ઞાન પ્રવાહની પ્રથમ અને ત્રીજા સેમેસ્ટરની પરીક્ષામાં ફાળવવામાં આવનાર સંવેદનશીલ કેન્દ્રો પર બોર્ડ ઝામર લગાવી તેનો પ્રયોગ કરે તેવી શક્યતાઓ છે તેવુ બોર્ડના વિશ્વસનીય સુત્રોએ જણાવ્યુ છે.
  • પરીક્ષામાં થતી ગેરરીતિઓ ડામવા શિક્ષણ બોર્ડનો નિર્ણય
                 ધો. ૧૦ અને ધો.૧૨ની બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારે ગેરરીતીઓ કરતા પકડાય છે. જેમાં ઘણાય કિસ્સાઓમાં માસ્ટર માઇન્ડ વિદ્યાર્થીઓ ખાનગીમાં હાઇ ટેકનોલોજી મોબાઇલનો દુરૂપયોગ કરી ચોરી કરતા હોય છે. જો કે શિક્ષણ બોર્ડે સંવેદનશીલ કેન્દ્રો પર ચોરીઓ અટકાવવા જામર લગાવવાનું નક્કી કર્યુ છે. આમ તો પરીક્ષામાં મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ છે. તેમ છતાં વિદ્યાર્થીઓ છુપાવીને મોબાઇલ સાયલેન્ટ કરી પરીક્ષા કેન્દ્રમાં લઇ જતા હતા. જો કે હવે સંવેદનશીલ કેન્દ્રો પર જામર લગાવાશે તો વિદ્યાર્થી કે અન્ય પરીક્ષાના ફરજ પરના સુપરવાઇઝરનો પણ ફોન ઠપ થઇ જશે.
 ર્બોર્ડની પરીક્ષામાં જોડાયેલા સ્કવોર્ડના ૨૦૦ જેટલા અધિકારીઓને સ્પેશ્યલ તાલીમ અપાઇ છે. એક ટીમમાં ચાર અધિકારીઓનો સમાવેશ કરાયો છે.
અત્યારસુધી સંવેદનશીલ કેન્દ્રો પર શું સુવિધા હતી
                 રાજ્યમાં શિક્ષણ બોર્ડે ૧૦૦થી વધુ સંવેદનશીલ કેન્દ્રો જાહેર કર્યા છે. જેમાં અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં ૧૨થી વધુ સંવેદનશીલ કેન્દ્રોનો સમાવેશ થાય છે. આ તમામ સંવેદનશીલ કેન્દ્રો પર અત્યારસુધી સીસીટીવી કેમેરા તેમજ વિડિયો રેકોર્ડીંગ કરાતુ હતુ. તેમ છતાં સામુહિક ચોરીઓ થતી હોવાની અનેક ફરિયાદો બોર્ડને મળતી હતી. આમ હવે ચોરીઓ અટકાવવા તકેદારીના ભાગરૂપે સંવેદનશીલ કેન્દ્રો પર બોર્ડે જામર લગાવવાનું નક્કી કર્યુ છે.
પરીક્ષા કેન્દ્રના તમામ વર્ગમાં જામર લગાવાશે
               સંવેદનશીલ કેન્દ્રમાં જે વિદ્યાર્થીનો નંબર આવ્યો હશે તે કેન્દ્રો પર ધારો કે ૧૦ વર્ગમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હશે. તો તમામ વર્ગમાં જામર લગાવાશે. જેથી વિદ્યાર્થીઓ મોબાઇલ ફોન દ્વારા ચોરી કરવાનો પ્રયાસ કરે તે નિષ્ફળ જશે.
મોબાઇલ ફોન પર કેવા પ્રકારની ચોરીઓ થતી હતી
             હાલમાં વિવિધ મોબાઇલ કંપનીઓ સસ્તામાં હાઇ ટેકનોલોજીવાળા સ્માર્ટ ફોન માર્કેટમાં મુક્યા છે. જેનો ગેરફાયદો પરીક્ષામાં ચોરી કરવા માટે સ્માર્ટ વિદ્યાર્થીઓ કરે છે. મોબાઇલમાં મેસેજ દ્વારા, ખાનગીમાં વાતચીત કરી, જે તે વિષયની પરીક્ષા હોય તેની આખા પેજ કે જવાબની એપ્લીકેશન ડાઉન લોડ કરી ચોરી કરતા હોય છે. અગાઉ પરીક્ષામાં આ પ્રકારની ચોરીઓ કરતા વિદ્યાર્થીઓ પકડાયા હોવાનું બહાર આવ્યુ છે.