પ્રાથમિક શાળાઓએ પ્રવેશ વખતે ફી જાહેર કરવી પડશે

વિદ્યાર્થી કે વાલીના મૌખિક ઇન્ટરવ્યૂ પર પ્રતિબંધ

અમદાવાદ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ વખતે વિદ્યાર્થી-વાલીઓને થઇ રહેલી મુશ્કેલીઓ નિવારવા માટે શિક્ષણ વિભાગે કેટલાક આદેશો જારી કર્યા છે. જે મુજબ શાળાઓએ પ્રવેશ આપતી વખતે જ વાલીઓને શાળાની કેટલી ફી છે તેને જાહેર કરવાની રહેશે, આ રીતે શાળાઓએ ઉઘરાવેલી ફી અને તેની સામે કરેલા ખર્ચનું ઓડિટ શાળાના નોટીસ બોર્ડ પર પ્રસિદ્ધ કરવાનું રહેશે. ઉપરાંત પ્રવેશ માટે વિદ્યાર્થી કે તેના વાલીનો મૌખિક ઇન્ટરવ્યૂ લઇ શકાશે નહિં.
ફી સામે કરેલા ખર્ચનું ઓડિટ કરાવી હિસાબો શાળાના નોટિસ બોર્ડ પર મુકવા શિક્ષણ વિભાગનો આદેશ
શિક્ષણ વિભાગે કરેલા પાંચ પાનાના આ પરિપત્રમાં જણાવાયું છે કે સરકારની ઉદાર નીતિ અને સંચાલકોને અપાયેલી સ્વાયત્તતાનો ગેરલાભ કેટલીક બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓ ઉઠાવી રહી છે. વાજબી કારણો વગર દર વર્ષે ટયુશન ફી, સત્ર ફી અને પ્રવેશ ફીમાં સતત વધારો કરાય છે. પ્રવેશ સમયે શાળાના વિકાસના નામે, વાલીઓ પાસેથી દાનની માગણી કરાય છે. દાન નહીં આપતા વાલીના બાળકોને પ્રવેશથી વંચિત રાખવામાં આવે છે. આ બધી બાબતોને ગંભીરતાથી લઇને આવી શાળાઓ માટે કેટલાક નિયમો ઘડાયા છે.
શાળા તેના પ્રથમ ધોરણ અથવા નર્સરી, જૂનિ. કે.જી., સીનિયર કે.જી. કે અન્ય ગમે તે ધોરણમાં પ્રવેશ આપતી વખતે પોતાની ફી વાલીઓને જાહેર કરવાની રહેશે. પ્રવેશ વખતે વાલીઓ પોતે જ નક્કી કરી શકશે કે શાળાએ જાહેર કરી ફી શાળાની સુવિધાઓના પ્રમાણમાં પ્રમાણસર છે કે કેમ અને તે નક્કી કર્યા પછી શાળાને અપ્રમાણસર ફી વધારવાની સત્તા રહેશે નહીં. તે પછી વાર્ષિક ૧૦ ટકાથી વધુ ફી વધારી શકાશે નહીં.
કોઇપણ શાળા ટ્રસ્ટને ડોનેશન આપવાનું જણાવી શકશે નહીં. વિદ્યાર્થીઓ પાસેથી શાળાના વિકાસના નામે કેપિટેશન ફી વસૂલી શકાશે નહીં. વિદ્યાર્થીઓ પાસેથી જે કોઇપણ ફી લેશે તેની કાયદેસરની પહોંચ વિદ્યાર્થીને આપવાની રહેશે. શાળાએ લીધેલી ફી સામે કરેલા ખર્ચનું ઓડીટ કરાવી હિસાબોને શાળાનાં નોટીસ બોર્ડ પર પ્રસિદ્ધ કરવાના રહેશે. શાળામાં વિદ્યાર્થીઓનાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ કે વાલીઓના મૌખિક ઇન્ટરવ્યૂ પણ લઇ શકાશે નહીં.
શાળાએ વિદ્યાર્થીઓના પ્રવેશ બાબતે પારદર્શક પધ્ધતિ અપનાવાની રહેશે. તેમજ કોઇપણ વિદ્યાર્થીને પ્રારંભિક શિક્ષણ પુરું થતા સુધીમાં કોઇપણ ધોરણમાં રોકી શકાશે નહીં. અથવા કાઢી મુકી શકાશે નહીં. વિદ્યાર્થીઓ જો અન્ય શાળામાં જવા ઇચ્છતા હોય તો તેમના સર્ટીફીકેટ કે અન્ય દસ્તાવેજો રોકી શકાશે નહીં. આવી શાળાઓએ વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રકારના પુસ્તકો, સાહિત્ય, ગણવેશ કે બુટ પોતાની સંસ્થા પાસેથી કોઇ ચોક્કસ સંસ્થા કે એજન્સી પાસેથી કે ચોક્કસ માર્કા કે પંનીનો ખરીદવા માટે ફરજ પાડી શકાશે નહીં. આ નિયમોનું ઉલ્લંઘન કરનારી શાળા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે.